I AM NOT THE BEST, BUT I AM NOT THE REST.

Tuesday, February 2, 2016

છોડવા જેવી સાત ટેવથી બનશે મેઘધનુષી જીવન! - Jay Vasavda

માત્ર હાજરી નોંધાવવાના અભિગમથી સાવ ખોટો સમય બગાડી, નાણા ઉડાડી... બીજા અગત્યના અવસરો જતા કરી લગ્ન, મરણ જેવા પ્રસંગોમાં ઉમળકા વિના સાગમટે ઉપડી જઈને આપણે જાતને જ છેતરીએ છીએ

પ્રકૃતિને પરિવર્તન ગમે છે. માણસ એક જ એનું એવું અળવીતરું સંતાન છે જેને લાભ કે ભય વિના કશું બદલવું કે બદલાવવું ગમતું નથી. નવી દુકાનનું જ ઉદ્ધાટન થાય? નવા જીવનનું ઉદ્ધાટન પણ થઈ શકે ને! કરવી છે, શરૃઆત? ધેન બ્રેક ફ્રી! ઉખાડી ફેંકો આટલી જડસુ જૂની વાતોને જીંદગીમાંથી... વધાવો કુશળમંગળને કંકુચોખાથી! હિઅર ઈઝ ધ લિસ્ટ.
(૧) 'અમારો કુળદીપક/કુળદીપિકા ૧૦મા/૧૨મા/ટી.વાય.માં છે, એટલે અમે તો ઘરમાંથી કેબલ કનેક્શન જ કઢાવી નાખ્યું છે.'
આ વાક્યના આયુષ્યનો અંત તો દસ વરસ પહેલા ૨૦૦૫ની સાલમાં વાઈફાઈ નેટ અને સ્માર્ટફોનના ભણકારા સાથે જ આવી ગયો હતો. જુઓ, ચિરંજીવી કુમાર કે કુમારીને ટીવી જોવું ગમતું જ ન હોય (કે પોસાતું ન હોય) તે એક વાત થઈ. બાકી, કેબલ શા માટે ટીવી જ કાઢી નાખો ને! અરે, ઘર જ કાઢી નાખીને ટાપુ ઉપર જતા રહો. ૧૦ ટકા માર્કસ એકાંત તપસ્યાથી વધુ આવશે! વાત આપણે કરીએ છીએ સંતાનોના ભણવાની. ભણવું એટલે શું માર્કશીટ? અભ્યાસ એટલે ગોખણપટ્ટી? જો આપણા બાબાશ્રી કે બેબીશ્રીને ટીવી ક્યારે ચાલુ કરવું અને ક્યારે બંધ કરવું (કે તેમાં શું જોવું?) એ સમજ જાતે ન પડતી હોય તો એ દસમા, બારમા ધોરણમાં નહિ, બાલમંદિરમાં ભણે છે - એમ કહેવાય. નાનકડાં ભૂલકાંઓને આપણે શું ખવાય, શું ન ખવાય... કેમ કપડાં પહેરાય અને કેમ ટોયલેટ જવાય એ શીખવતા નથી? એમને ભરચક્ક ટ્રાફિકમાં વાહન ચલાવવા આપતા નથી? તો પછી ટીવી સિનેમા સાથે કામ પાર પાડવાની સમજદારી કેમ કેળવતા નથી?
કારણ કે, આપણે ખુદ એ તાલીમ મેળવતા નથી. ટીવીનો છેડો ખેંચી લેવાથી શું થશે? મનોરંજન તો હવે મોબાઈલ સુધી પહોંચી ગયું છે. કેટલા કનેક્શન કાપવા જશો? અને જો ટીનએજર યુવક/યુવતીને પોતાના સારાસારના વિવેક માટે જાતે નિર્ણય કરતાં અને સાચી પસંદગી કરતા ન શીખવી શકીએ - તો પછી એ જે માર્કસના સૂંડલા ઉસેડી લાવે એ શિક્ષણની કિંમત જૂતાં પાલિશ કરવાના બ્રશ જેટલીયે ન ગણાય. વળી, ટીવી, ઈન્ટરનેટ કે મિડિયાના અભાવે જે જનરલ નોલેજનો કૂવો નપાણિયો રહેશે તેનું શું?
(૨) ''અમને તો ચાઈનીઝ/પંજાબી/થાઈ/મેક્સિકન/કોન્ટિનેન્ટલ બહુ  ભાવે!''
ભાવે તો ખાવ, પીઓને જલસા કરો. પણ એમાં ગુજરાતી થાળીને શા માટે 'ડાઉનમાર્કેટ' કરો છો? અને ખરેખર ભાવે છે કેમ પછી, દુનિયાને એ ફાવે છે માટે આપણા પેટમાં આ બધું આવે છે? મોટા ભાગે આ બધાં જ ફૂડમાં (સાઉથ ઈન્ડિયનના અપવાદ સિવાય) વાસી પેસ્ટની રેડીમેઈડ ગ્રેવી હોય છે - જેમાં દસ પ્રકારના શાકનો સ્વાદ એક પ્રકારનો જ આવતો હોય છે! ચીનમાં ક્યાંય ફાફડાની લારી છે? ઈટાલીમાં બટાકાવડાનો ખૂમચો છે? સીધેસીધો રોટલો ને માખણ ખાતા વળી ચૂંક આવે છે કે 'ફ્રેન્કી'ના નામે એના ટુકડા ચાવવા પડે. વાત કંઈ વિદેશી સ્વાદના વિરોધની નથી. વાત દેખાદેખીમાં આગવી અને અનોખી 'આઈડેન્ટીટી' સદંતર ગુમાવી દેવાની છે. ગિફ્ટમાં કેડબરી જ કેમ અપાય? ગોળ-ઘીની ચકાચક સુખડીના ચકતાં કેમ નહિ? ચોલકેટ થીકશેઈક ગટગટાવો, પણ થાબડીના ચોસલા ચાવવામાં તે વળી શું બિનજામીનપાત્ર અપરાધ થઈ જાય છે? મકાઈ પણ અમેરિકન હોય તો જ અન્નનળીના સ્નાયુઓ સ્વીકારે? માંડવીના ઓળા ખાવ કે તાજી છાશ પણ પીવો અને મૂડ આવે તો કોલા ડ્રિન્ક જમાવો. પણ એકની પાછળ બીજાને સાવ ભૂલીને ઉતારી ન પાડો!
(૩) ''અમે તો ફિલ્મ બતાવે એવી વોલ્વોમાં જ મુસાફરી કરીએ છીએ''
લકઝરી બસ બરાબર. વોલ્વોમાં ફરો. એ.સી. બસમાં બેસો. પણ આ બસમાં રહેલા ડીવીડી-ટીવી પ્લેયરથી મોટું સામાન્ય બુદ્ધિનું કોઈ જાહેર અપમાન નથી. ફ્લાઈટની માફક મન પડે તો કાનમાં હેડફોન ભરાવી પડદા પર ચાલતા જે-તે પિક્ચરની મજા માણવી હોય તો હજુયે ઠીક છે. દરેક સીટ પર વાંચવા માટે લેમ્પ કે સાંભળવા માટે મ્યુઝિકની સુવિધા મળતી હોય એનાથી રૃડું શું? પણ આ તો ચાર કલાકની મુસાફરીમાં સાડા સત્યાવીસ વખત જોયેલી ફિલ્મ ગમે તેટલી ઘસાયેલી પ્રિન્ટ અને તરડાયેલો અવાજ હોય, તો પણ ટાઈમપાસ કરવા જોવી એટલે જોવી જ! વળી, પાઈરેટેડ પ્રિન્ટ હોય એટલે કાયદાનો સરેઆમ ભંગ! આપણા મુસાફરોને સફરમાં પુસ્તક સાથે બાપે માર્યા વેર હોય છે, એટલે કોઈ બસમાં સીટ પર લાઈટ ચાલુ હોતી નથી. પણ પોતાની મજા માટે બીજાને ત્રાસ આપવામાં એમની ધર્મપરાયણતા અપવિત્ર નથી થતી. એકદમ અલેલટપ્પુ અળસિયાઓ પણ એકની એક ફ્લ્મિો કેટલીવાર જોઈ શકે? એના કરતા તો માળા-તસ્બીના મણકા ગણવા સારા! એકલપંડે થાય નહિ પણ જો હૈયે રામ વસે તો સાગમટે આવા વરવા મનોરંજક તમાશા સામે તત્કાળ અસરથી વિરોધ નોંધાવી એ બંધ કરાવી દિમાગની ખેંચાઈ જતી નસોને લીધે ટૂંકાવાઈ જતું એક-બે વરસનું આયુષ્ય જરૃર બચાવવું.
(૪) ''હલ્લો, તમારા મોબાઈલ પર હું કોણ બોલું છું, ઓળખો જોઈએ?''
બોલે શું? પડો ચૂલામાં! આવી રમત ફિક્સ્ડ લાઈનના ફોન પર થાય એ હજુ ય બરાબર... એમાં તમે ફોન કરો ત્યારે સામી વ્યક્તિ જે-તે ઓરડામાં કે ઓફિસમાં જ છે, એટલું તો નક્કી છે પણ મોબાઈલ ફોન 'મોબાઈલ' માણસો જ વાપરતા હોય છે. તમને મસ્તીનો કરન્ટ ચડયો હોય, ત્યારે તમારો ફોન ઉપાડનાર ટ્રેનના ડબ્બા પર એક હાથે લટકતો હોય એ શક્ય છે. આમ તો, અડધી રાત્રે દરવાજા ખખડાવવાનો અંગત સંબંધ ન હોય, તો હંમેશા સેલફોન પર વિવેકપૂર્વક સામી વ્યક્તિની લાંબી વાત માટેની અનુકૂળતા પૂછી લેવી જોઈએ. એમાંય જો સામી વ્યક્તિ કોઈ ફિલ્મ કે કાર્યક્રમમાં હોય તો તરત જ પછી ફોન કરવાનો ટાઈમ પૂછી (અને એ બરાબર પાળીને) 'કઈ ફિલ્મ? કોણ સાથે છે?' એવા સવાલોની કવ્વાલી લંબાવવાને બદલે તત્કાળ વાત ટૂંકાવી નાખવી જોઈએ. સામાન્ય રીતે બપોરે, વહેલી સવારે અને મોડી રાત્રે નિકટ પરિચય વિના સામાન્ય મુદ્દા માટે ફોન કરવા 'આઉટ ઓફ કર્ટસી' ગણાય છે. એમાં ય ફોન કરનાર પોતાનું નામ પહેલાં બોલે એ તો બેઝિક ફોન મેનર્સ છે. સારુ છે, પેલા ભૂલાઈ ગયેલા કોમેડિયન નવીન પ્રભાકરની સ્ટાઈલમાં ફોનમાંથી કોઈ બે હાથ આંખ પર દબાવી 'પહચાન કૌન?' પૂછતું નથી. પૂછે તો એને એક કરાટે ચોપ મારીને ભોંયભેગો કરવાથી એનું પગના તળિયે પહોંચી ગયેલું ભેજું ફરી યથાસ્થાને એટલે કે મસ્તકમાં ગોઠવાઈ શકશે.
(૫) ''શું થાય? ત્રેવડ નથી, સમય નથી... પણ વ્યાવહારિક કામે તો જવું પડે ને! એમાં આપણું કંઈ થોડું ચાલે? સમાજને માઠું લાગે!''
નામ વ્યાવહારિક કામનું... અને આટલી બધી 'અવ્યાવહારિક' વાસ્તવિકતા? જીવનના ૭૦ ટકા કહેવાતા વ્યાવહારિક કામો એવા હોય છે કે જીવનની સમી સાંજે એનું જમા-ઉધાર તપાસો તો ફૂટી બદામનું ય નફો-નુકસાન ન થયું હોય! આપણે 'વ્યવહાર' અને 'ઔપચારિકતા' વચ્ચેનો તફાવત હજુ સમજ્યા નથી. કોઈએ કશુંક કર્યું હોય અને આપણને ન્યૂટનના નિયમ મુજબ એ એક્શનનું બમણું રિએક્શન આપીએ, તે વ્યવહાર! પણ માત્ર પરંપરા, નિયમ, સામાજીક દબાણ કે પાંચમાં પૂછાવાના હેતુથી જે કરીએ, એ તો છે કેવળ ભાર! હા, ફુરસદના ફડાકા મારતા હો... રૃપિયાના મોજેમોજાં પગ પખાળતા હોય, પરિવારની કે જાત પ્રત્યેની બીજી જવાબદારી જ ન હોય ત્યારે માખીઓ મારો કે વ્યાવહારિક પ્રસંગોમાં હાજરી પુરાવો... જે મન પડે તેમ કરો, પણ માત્ર હાજરી નોંધાવવાના અભિગમથી સાવ ખોટો સમય બગાડી, નાણા ઉડાડી... બીજા અગત્યના અવસરો જતા કરી લગ્ન, મરણ જેવા પ્રસંગોમાં ઉમળકા વિના સાગમટે ઉપડી જઈને આપણે જાતને જ છેતરીએ છીએ. થોડાક સ્પષ્ટવક્તા બની જશું, મક્કમપણે અને કોઈ સ્વાર્થ વિના ખરી સચ્ચાઈથી ના પાડતાં શીખી જઈશું.. તો ધીરે ધીરે એક મજબૂત અને અનુકરણીય છાપ બની જશે. પછી લોકો એ સ્વીકારશે. અને ધારો કે, ન સ્વીકારે... ટીકા કરે.. કટાણું મોં કરી, માઠું લગાડી, મહેણાં મારે... તો વિચારજો કે આવા લોકોના સન્માન ખાતર આપણા જીવનની અમૂલ્ય પળોનો ભોગ દેવાનો? વાતેવાતમાં વાંકું પડી જતું હોય એવા સંબંધોને સીધી રીતે જ ખોઈ નાખવાથી રાહત થશે. ભલું થયું ભાંગી જંજાળ, રમાડો કુટુંબના બાળગોપાળ!
(૬) ''દીકરીની જાત, એટલે પછી થોડીક મર્યાદા રાખવી પડે ને, શું થાય આપણા ખાનદાની સંસ્કાર લાજે''
સંસ્કાર કે માન કે શિસ્તને આદર આપવાની વાતને વળી પુલ્લિંગ અને સ્ત્રીલિંગ વિભાગો હોય? એ તો છોકરા, છોકરી બંનેને સરખા જ લાગુ પડે! શારીરિક દેખાવની ભિન્નતા હોય, બરાબર છે. માનસિક સંવેદનોના આવેગો ક્યાંક જુદા પડે, દેખીતું છે. પણ ખાના, પીના, જીનામાં સ્ત્રી-પુરુષ વચ્ચે કશોય તફાવત નથી. હોવો પણ ન જોઈએ. મૂળ તો આદિકાળથી જ પુરુષપ્રધાન સમાજ સ્ત્રીને ઢોરઢાંખર કે ઘરવખરી જેવી જ મિલ્કત સમજતો રહ્યો છે. સ્ત્રી સામે ચાલીને સમર્પિત થાય, એ એની મરજીની વાત છે અને એને પરાણે ગુલામ બનાવી નજરકેદ રાખવી એ રીતસરનો અત્યાચાર જ છે.
છોકરી છો? બહાર ફરવા જવામાં - ફિલ્મ જોવામાં નિયંત્રણ! અને જે આવારા રખડુઓની બીકે પહેરવા-ઘૂમવા-નાચવા પર આ નિયંત્રણો આવે છે - એ મવાલીઓને શું મળે છે? ખુલ્લી આઝાદી! ગુનેગારને ગોળ, નિર્દોષને ખોળ! છોકરીને રેલ્વે-બેન્ક-મિકેનિકલ કામો ન સમજાવાય, એણે તો મોટા થઈને સાસરે જવાનું છે ને! કેમ? સાસરું શું મંગળના ગ્રહમાં હશે? એક માતા સો શિક્ષકની ગરજ સારે, એમ કહેવું (તો એક પિતા શું સો રાક્ષસની ફરજ નિભાવે?) અને માતાને માત્ર પુસ્તકિયા જ્ઞાાનથી જ ભણાવ્યા કરો, તો એ ભાવિ બાળકનું 'ગણતર'ના 'ચણતર'થી 'ઘડતર' કઈ રીતે કરી શકશે? સ્ત્રી રજઃસ્વાલા થાય છે, માટેસ્તો માતા બની શકે છે, છતાં કફ કે શ્વાસ જેવી જ આ સ્વાભાવિક, પ્રાકૃતિક, વૈજ્ઞાાનિક ક્રિયા અસ્પૃશ્ય કે અપવિત્ર આજે ય ગણાય. અને પાછા આપણે જગદંબાની ભક્તિની વાતો કરીએ! વસ્તુના વ્યાપારીકરણનો વિરોધ કરીએ અને 'છોકરી જોવા' જતો મૂરતિયો નવા મોડલની કારની જેમ ડેમોન્સ્ટ્રેશન લે (માત્ર પરિચય કેળવવો હોય તો ફોન પર થાય, જોવાનું એટલે શરીર, એ ય ઢંકાયેલું જોવાનું સાહેબો!) એ પ્રક્રિયાને આપણે 'કન્યાદાન'ની સોદાબાજીની ગોઠવણ કહીએ!
(૭) ''અરે, ઘેર આવો અત્યારે... જમ્યા વિના/નાસ્તા વિના/ઠંડા વિના જવાતું હશે કંઈ?''
આમ તો આપણે કોઈને સો રૃપિયા પણ ઉધાર આપવાની ઉદારતા રાખતા નથી. ખરેખર પ્રેમ હોય તો એ સામા માણસની લાગણીઓને આદર આપીને, એની ખુશી અને સમયને માન આપીને, એની મરજીને માથે ચડાવીને (પોતાની ઈચ્છાઓના ભોગે પણ) જ સાબિત કે પ્રદર્શિત કરી શકાય. પણ આપણે ત્યાં 'ઘેર ક્યારે આવો છો? જમવા ક્યારે આવો છો? નાસ્તા વિના જવાય જ નહિં ને!'નો જીવલેણ ચેપી વાઈરસ ઘૂમી રહ્યો છે. વધુ ખાવાથી રોગ થાય છે, ઓછું ખાવાથી તો આરોગ્ય સુધરીને રાતી રાયણ જેવું થાય છે! આ તો રીતસરનું ટેરરિઝમ જ છે. જમાનો ટેકનોલોજીકલ પ્રગતિનો અને કોમ્યુનિકેશન ક્રાંતિનો છે. સંપર્કસેતુ માટે તો ફોનની શોધ થઈ છે. પછી ઘેર-દુકાન પર જવાથી જ (એ ય બે-પાંચ-મિનિટ નહિ, કલાકો!) કંઈ હીરા-મોતી ટંકાઈ જાય? ઉત્સાહ હોય એ સામેથી આવે. પરાણે કોઈ ધર્મધુરંધરની જેમ 'પધરામણી' ગમતી વ્યક્તિને અણગમતો સમયનો વેડફાટ જ છે. અને જમવું કે ના જમવું? શું અને કેટલું-ક્યારે ખાવું એ શુદ્ધ વ્યક્તિગત નિર્ણય છે. એમાં માણસને સ્વતંત્ર ન કરો, તો પછી દેશની આઝાદીનો મતલબ શું? માણસને એનું કામ અને એનો આરામ બંનેની ખુલાસા વિનાની પસંદગીનો હક છે. અત્યંત અંગત સંબંધો અને વિના ઘેર બોલાવી ખવડાવવાના ધખારામાંથી મુક્ત કરી - સામા માણસની ક્રિએટિવ સ્પેસને સલામી આપશો, તો વધુ પ્રિયપાત્ર બનશો!
ઝિંગ થિંગ

આપણે લગ્નના ફુલેકાં-જમણવાર પાછળ જેટલું બજેટ ખર્ચાય છે, એટલામાં હનીમૂન માટે નવયુગલ સ્વીત્ઝર્લેન્ડ જઈ આવતું હોત તો!

No comments:

Post a Comment